Type Here to Get Search Results !

કોરોના વાયરસનો શરીર પર હુમલો.

4

વિજ્ઞાન વિષયના એક શિક્ષક શ્રીની સરળ ભાષામાં રજૂઆત...


શું તમે ક્યારેય જાણ્યું છે કે,

કોરોના વાયરસ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? આપણા શરીરમાં કેવી રીતે વધીને ફેલાય છે?

તો આવો આજે કંઇક નવું જાણીએ,

ઓક્ટોબર 2020 માં મેટ પારકર નામના એક નિષ્ણાતે જણાવ્યું હતું કે જો તમે દુનિયાના બધા જ કોરોના વાયરસને ભેગા કરી દો તો દુનિયાના બધા જ કોરોના વાયરસનું વજન 8 મિલીગ્રામ થાય. એટલે કે એક ચમચીમાં આખી દુનિયાના કોરોના વાયરસ આવી જાય.

આ કોરોના વાયરસની સાઈઝ 20 નેનોમીટર છે

એટલે સામાન્ય રીતે સમજવું હોય તો એક સેન્ટિમીટર ના પચાસ હજાર ભાગ કરો ત્યારે એક ભાગ એક કોરોના વાયરસની સાઈઝ જેટલો થાય.

આટલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી દીધી છે.

તો આજે આપણે જાણીશું કે વાયરસ શેનો બનેલો છે?

તે આપણા શરીરમાં કેવી રીતે દાખલ થાય છે?

કેવી રીતે આપણા શરીરની સિસ્ટમને પોતાના ફાયદા માટે ઉપયોગમાં લઈને પોતાની સંખ્યા વધારે છે?

આજે આપણે આખી પ્રોસેસ ને સરળ ભાષામાં સમજીસુ.

આપણું શરીર ઘણા બધા અંગો અને અવયવોનું બનેલું છે. આપણા અંગો પેશીના બનેલા છે. અને ઘણા બધા કોષો જોડાઈને પેશી બનાવે છે.

એટલે કે આપણા શરીરનો પાયાનો એકમ કોષ છે. આપણા શરીરના બધા જ કાર્યો કોષો દ્વારા થાય છે. જો આપણા કોષને નુકસાન થાય તો આખા શરીરને નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે કે કોષ એ આપણા શરીરનો પ્રાથમિક ઘટક છે.

હવે વાયરસ કોષો પર શું અસર કરે છે તે જાણવું હોય તો આપણે સૌથી પહેલા જાણવું પડશે કે, "કોષ આપણા શરીરમાં શું કામકાજ કરે છે?"

તો આપણે આ કોષોનું કામકાજ કોઈ ફેક્ટરીના કામકાજ પ્રમાણે સમજીશું.

જેમ કોઇ ફેક્ટરીમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમકે, ફેક્ટરીની જગ્યા (શેડ), હેડ ક્વાર્ટર્સ (ઓફિસ), મશીનો, પાવર સપ્લાય, નિયમોની બુક, પ્રોડક્શનના પ્રકાર વગેરે. 

આ પ્રમાણે આપણા કોષમાં પણ ઘણી વસ્તુઓનો સમાવેશ થયેલો છે જેને કોષીય અંગિકાઓ કહેવાય છે. જેમકે, કોષરસ પટલ, કોષરસ, કોષ કેન્દ્ર, અંતઃકોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાયસોઝોમ્સ, કણાભસૂત્રો, વગેરે.

તો દરેક કોષીય અંગિકાના જુદા જુદા કાર્યો છે.










કોષની રચના

આપણા સમગ્ર શરીરની રચના પ્રોટીનને આધારે થયેલી છે. દરેક સજીવ શરીરનું નિર્માણ તેમાં રહેલા પ્રોટીનની માહિતી પ્રમાણે થયેલું છે. આ પ્રોટીન એમીનો એસિડના બનેલા હોય છે.

તો જે રીતે ફેક્ટરીમાં કોઈ વસ્તુ બનાવવા માટે કાચામાલની જરૂર પડે છે તે રીતે આપણા કોષમાં પ્રોટીનની બનાવટ માટે કાચા માલ તરીકે એમિનો એસિડનો ઉપયોગ કરવામાં આવે છે.

~> આપણે અહીં ઉદાહરણ તરીકે સ્ટેનલેસ સ્ટીલમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવતી કોઈ ફેક્ટરી લઈએ છીએ.

આ ફેક્ટરીમાં આવેલું મશીન સ્ટેનલેસ સ્ટિલમાંથી ચમચી બનાવે છે. તો અહીં કાચા માલ તરીકે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણા શરીરની ફેક્ટરી એટલે કે કોષમાં પણ આવું એક મશીન આવેલું છે જે પ્રોટીનની બનાવટ કરે છે જેને રિબોઝોમ્સ કહે છે. અહીં પ્રોટીન બનાવવા માટે કાચા માલ તરીકે એમિનો એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ રીબોઝોમ્સ ખરબચડી અંતઃકોષરસજાળની સપાટી પર આવેલા હોય છે.

હવે જે રીતે સ્ટીલના જુદા જુદા પ્રકાર છે જેમકે સ્ટેનલેસ સ્ટીલ, કાર્બન સ્ટીલ. તે રીતે આપણા શરીરમાં પ્રોટીનના જુદા જુદા પ્રકાર હોય છે. અલગ-અલગ પ્રકારના એમીનો એસિડ એકબીજા સાથે જોડાઈને અલગ-અલગ પ્રોટીન બનાવે છે. જે શરીર માટે જરૂરી હોય છે.

~> હવે આ ચમચી બનાવવાની ફેક્ટરીમાં એક હેડ ક્વાટર્સ(ઓફિસ) છે. હેડ ક્વાર્ટર્સમાં એક નિયમોની ચોપડી છે. આ નિયમોની ચોપડીમાં લખેલું છે કે ક્યારે, કેટલી અને કયા પ્રકારની ચમચી બનાવવાની છે.

ધારો કે, નિયમની ચોપડીમાં લખ્યું છે કે અત્યારે નાની સાઇઝની 40 ચમચી બનાવવાની છે. આ સંદેશને એક સંદેશાવાહક(સુપરાઈઝર) હેડ-ક્વાટર્સ ની બહાર આવેલા એક મશીન સુધી લઇ જાય છે. આ મશીન આ સંદેશને ટ્રાન્સલેટ કરે છે અને આદેશ મુજબ ચમચીનું ઉત્પાદન શરૂ કરે છે.

હવે જો આપણા શરીરના અંદર કોષની વાત કરીએ તો,

કોષની અંદર આ હેડ ક્વાટર્સ કોષકેન્દ્ર હોય છે. અને જે નિયમની ચોપડીની વાત કરી તે કોષકેન્દ્રમાં આવેલા DNA છે.

આ DNAની અંદર "કોષે શું કરવાનું છે? તેના કયા કયા નિયમો છે?" તેની નિયમ બુક પ્રમાણે બધા જ નિયમો લખેલા છે.

હવે, કોષને એની નિયમ બુક પ્રમાણે કયો પ્રોટીન, ક્યારે બનાવવો તેની માહિતી આગળ મોકલે છે. અને માહિતી આગળ મોકલવા માટે સંદેશાવાહક તરીકે RNAનો ઉપયોગ કરે છે. આ RNA હેડ ક્વાટર્સની બહાર એટલે કોષકેન્દ્રની બહાર આવેલા મશીનને સંદેશો આપે છે. અને અગાઉ વાત કરી તે પ્રમાણે કોષમાં આવેલું આ મશીનને રિબોઝોમ્સ કહે છે, જે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે.

સૌથી પહેલા રીબોઝોમ્સ RNAનો સંદેશો વાંચે છે. તેનું ટ્રાન્સલેટ કરે છે. ત્યાર પછી જે પ્રોટીનની જરૂરિયાત હોય તે પ્રોટીન બનાવવાનું શરૂ કરે છે.

આટલી જટિલ પ્રક્રિયા આપણે અહીંયા સરળતાથી સમજી ગયા. અને આવી રીતે સ્વસ્થ ફેક્ટરીમાં એટલે કે કોષમાં કામકાજ ચાલે છે.

હવે આવે છે ફેક્ટરીનો દુશ્મન એટલે કે વાયરસ.

~> માની લો કે ફેક્ટરીની બહાર એક રોબોટ છે. રોબોટ નિર્જીવ છે પરંતુ જેવી એને ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે તરત તે જીવંત(active) થઈ જાય છે. રોબોટનું શરીર પણ સ્ટીલ નું બનેલું છે. અને તે રોબોટની અંદર એક નિયમોની બુક છે. જેની અંદર લખેલું છે કે આ રોબોટે કેવી રીતે કામ કરવું. 

હવે કોરોનાવાયરસ વિશે વિચારીએ તો,

આ વાયરસનું શરીર પ્રોટીન નું બનેલું છે. અને તેની નાનકડી નિયમોની બુક કીધી તે RNA છે. જેની અંદર લખેલું છે કે, "વાયરસે શું કરવાનું છે?"




 

 

 

 

 

~> હવે આ રોબોટ ફેક્ટરી જે નગરમાં આવેલી છે, તે નગરમાં ઘૂસી જાય છે. અને ફેક્ટરીના દરવાજા આગળ આવીને ઊભો રહી જાય છે. આ દરવાજા પર તાળું મારેલું છે. હવે આ રોબોટ પાસે એક સ્પેશિયલ ચાવી છે જેના વડે તે તાળું ખોલી નાખે છે.


હવે કોરોનાવાયરસ માટે જોઈએ તો,

અહીં નગર એ આપણું શરીર છે અને ફેક્ટરી એટલે તેમાં આવેલા કોષ.

વાઇરસ માટે ચાવીની વાત કરીએ તો તેના શરીર પર ઉપસેલા ભાગ એટલે કે સ્પાઈક પ્રોટીન છે. આ સ્પાઈક પ્રોટીન આપણા ફેક્ટરીની દિવાલ પર(કોષરસ પટલ પર) આવેલા રીસેપ્ટર્સના કાણાની અંદર દાખલ થાય છે. અને આ રીતે કોરોનાવાયરસ કોષની અંદર દાખલ થઈ જાય છે.










~> હવે થશે એવું કે રોબોટે ફેક્ટરી માં પ્રવેશ કરી લીધો છે. તે મશીનને પોતાના સંદેશ આપવા લાગશે. એટલે મશીન હેડ-ક્વાટર્સ થી આવેલા સંદેશા ટ્રાન્સલેટ કરવાની જગ્યાએ રોબોટે આપેલા સંદેશા ટ્રાન્સલેટ કરવામાં લાગશે. 

રોબોટનો સંદેશ બહુ સિમ્પલ છે. તે મશીનને એવું કહેશે કે તું અત્યારે તારા બીજા કામ પડતા મુક અને મારા જેવા બીજા રોબોટ બનાવવા માંડ. 

હવે આપણા કોષમાં થતી આ ક્રિયા સમજીએ તો,

વાયરસ કોષની અંદર દાખલ થઈ જાય છે અને કોષકેન્દ્રમાંથી આવતા RNAના જે સંદેશા છે, તેની જગ્યાએ વાયરસ પોતાના RNA રીબોઝોમ્સને આપવા માંડે છે. રીબોઝોમ્સ પણ કોષકેન્દ્ર માંથી આવતા RNA ને છોડીને વાયરસે જે RNA આપ્યા છે તેનું ટ્રાન્સલેટ કરવા માંડે છે અને એના ઓર્ડર પ્રમાણે બીજા વાયરસ પોતાના પ્રોટીનની મદદથી બનાવવાનું ચાલુ કરી દે છે.


~> હવે થોડાક સમયમાં સ્ટીલની ફેક્ટરીમાં એટલા બધા રોબોટ બની જશે અને બધા રોબોટ ફેક્ટરીની દીવાલો તોડીને આખા નગરમાં બધે ફરી વળશે.

કોષમાં જોવા જઈએ તો,

કોષમાં રીબોઝોમ્સ દ્વારા એટલા બધા વાયરસ બની જશે અને વાયરસ છેલ્લે કોષની દીવાલ તોડી નાખશે. બીજા જે નવા વાયરસ બન્યા છે તે આજ પ્રક્રિયા દ્વારા બીજા કોષોમાં દાખલ થશે. અને આવી રીતે રીબોઝોમ્સની મદદથી પોતાના જેવા બીજા વાયરસ ઊભા કરે છે અને આખા શરીરમાં ફેલાઈને ઇન્ફેક્શન કરે છે.

તો આ પ્રમાણે આપણા શરીરમાં કોરોના વાયરસ ફેલાય છે.

============================


માહિતી તમને ગમી હોય તો comment box માં જરૂર જણાવો.

⬆️ TOP 🔝

HOME 🏡

નોકરીના સમાચાર માટેનો બ્લોગ A blog for job news

 

 

 

 

 

 


Post a Comment

4 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.